તું થાકીપાકી જ્યારે આવે છે – નારાયણ સુર્વે

18 જુલાઈ

પાંજરામાંની મારી દુનિયામાં કલકલાટ જાગે છે

તું જ્યાંરે થાકીપાકી પાછી આવે છે

બારીમાં આવીને બેસે છે આકાશનું પંખી સુંદર

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

ગોળમટોળ ગાલોનું,

સસલું એકદમ હસી ઊઠે છે

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

ત્યારે જાણે મારો જીવ પાછો આવે છે

ઘરમાં શીતળ એવો તડકો.

[‘મરાઠી કવિતા’માંથી,મૂળ કવિશ્રી -નારાયણ સુર્વે]

[અનુવાદ- વસંત જોશી]

મરાઠી કવિ નારાયણ સુર્વેની આ કૃતિમાં સાત્વિક અને પ્રસન્ન દાંપત્યભાવનું નિરૂપણ છે.કાવ્યનાયક કોઈક કારણસર ઘરની બહાર નીકળી શક્તો નથી અને તેથી જ પત્નીને કોઈ નોકરી કરવી પડે છે.રોજ નોકરીએથી છૂટી પત્ની સાંજે ઘરે આવતી હોય છે ત્યારે નાયક કયા મનોભાવો અનુભવે છે એનું નિરૂપણ આ કાવ્યમાં છે.નાયકે પોતાને માટે ‘પાંજરામાંની મારી દુનિયા’ શબ્દો વાપર્યા છે,જે સંભવત : એની અપંગતા અને ગતિહીનતા સૂચવે છે.નાયિકાનું આગમન એને કલરવમય બનાવી દે છે.નાયિકાના આવતાં ઘરનું ગોળમટોળ ગાલવાળું સસલું હસી ઊઠવાની વાત હ્નષ્ટપુષ્ટ બાળકનો સંકેત કરતી લાગે છે.પતિના જીવમાં જીવ આવે છે અને તે સાથે સમગ્ર ઘરમાં પણ જીવ આવે છે.કાવ્યનાયકનું પોતાનું જીવન પિંજરબદ્ધ છે અને તેથી અંધકારમય છે પણ એ અંધકારમય જીવનખંડમાં નાયિકાનું આગમન એને મીઠા તડકા જેવું અને મુક્ત પંખીના કલરવ જેવું લાગે છે.’શીતળ એવો તડકો’ જેવા પરસ્પર વિરોધી શબ્દો મૂકીને કવિએ અહીં ‘તાપ’ નહીં પણ ‘હૂંફ’નો ભાવ પ્રગટ કરી આપ્યો છે.

Leave a comment