Tag Archives: ગઝલ

હજીય અકબંધ છે

7 મે

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે.
પ્રકાશ     સૂર્યનો    હજીય  અકબંધ     છે,

પણ    શું   ઉગ્રતા  એની   એ    જ    છે?
ચાંદની    ચંદ્રમાની   હજીય   અકબંધ છે,

પણ     શું    શીતળતા   એની   એ   જ    છે?
હરિયાળી    ધરાની    હજીય   અકબંધ   છે,

પણ    શું    સૌમ્યતા   એની   એ    જ    છે?
રૂદન    શિશુનું    હજીય    અકબંધ    છે,

પણ     શું   નિર્દોષતા   એની   એ   જ    છે?
જોઉં  છું ખુશહાલી, ક્યાંક હજીય અકબંધ છે,

પણ ક્યાંક તો દરિદ્રતા એની એ જ છે.
ઓળખ માનવ તરીકે હજીય અકબંધ છે,

પણ શું માનવતા મારી એની એ જ છે?
આવતા અનેક વિચારો હજીય અકબંધ છે,

પણ પ્રશ્નો તો વણઉકલ્યા એના એ જ છે.

-જેમિશ બુટવાલા, સુરત

(સૌજન્ય: ‘ દિવ્યભાસ્કર’ માંથી)

Advertisements

નથી હોતી

6 મે

ધન, વૈભવ, દોલતમાં, અમીરી નથી હોતી,
દિલના કોઇ ખૂણામાં, ગરીબી નથી હોતી.

લોક સમજે છે, જાગીર પોતાની વર્ષોથી,
વખત ટાણે વસિયત સાબિત નથી હોતી.

મારું મારું કરે જે, એકલો રહી વંચિત,
બંધ મુઢ્ઢીમાં કોઇ દિ’ સ્વસ્થતા નથી હોતી.

પીડ પરાઇ સમજમાં, વિહરતું રહે આ દિલ,
પ્રેમની વલખતી ભીખમાં, ફકીરી નથી હોતી.

શરાબ, મટન સબડે, જ્યાં મહેફિલો ભરી,
મદહોશ જિંદગી કોઇની, અસલ નથી હોતી.

-પ્રવીણ ખાંટ, છોટા ઉદેપુર, વડોદરા

(સૌજન્ય : ‘ દિવ્યભાસ્કર ‘માંથી)

એક રાજા હતો એક રાણી હતી

4 મે

એક રાજા હતો એક રાણી હતી
એ તો તારી ને મારી કહાણી હતી

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી તો વાટ આખી અજાણી હતી

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

જિંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા
જિંદગીમાં બીજી કયાં કમાણી હતી

એક ચાદર હતી આભની ઓઢવા
રાતના જોયું તો એ ય કાણી હતી

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી.

– બરકત વિરાણી ‘બેફામ’

(સૌજન્ય : ટહુકો.કોમ)

પ્રેમ

23 જાન્યુઆરી

અઢી અક્ષરની આ  છે કેવી બલા,
થાય નાસીપાસ, તો ભરે હવાડા ને કૂવા.

નથી જોતાં ટાઢ-તડકો કે દિન-રાત વેળા,
રહે છે હાજર વહેલાં એના પસાર થતાં.

પ્રેમના નહીં હુશ્નના દીવાના થયા,
પણ હુશ્નવાળા બધાં વફા નથી કરતાં.

પ્રેમમાં જરૂરી નથી આકર્ષણ,
તેમાં તો જરૂરી છે ત્યાગ ને સમર્પણ.

પ્રિયતમાને મળવાનાં સ્થળો છે અનેક,
શાળા-કોલેજ ને દેરે પ્રેમી મળે અનેક.

ઘસાય છે વર્ષમાં પ્રેમીનાં ચપ્પલો અનેક,
પ્રેમમાં પાગલ થાય જો પ્રેમી એક.

પ્રેમ ને મોહ વચ્ચે બારીક લકીર છે એક,
જો સમજી જાય એને, તો ‘પ્રીત’ બની જાય નેક.

પ્યાર ક્યારે, કોનો પૂરો થયો છે ?
પ્યારનો પ્રથમ અક્ષર જ અધૂરો છે.

ઝાકિર રાયલી, ઇખર

(‘દિવ્યભાસ્કર’ માંથી)

ગઝલને છેડો તો…

18 જાન્યુઆરી

બિચારી આંખને નિજની જ પાંપણે લોઈ,
બધાની વચ્ચે સારેઆમ વ્યર્થમાં રોઈ.

રહે શી રીતે કહો આમ કોઈ નિર્મોહી ?
મને હજીયે બતાવે છે આયનો કોઈ.

નકામો આંજી ગયો ઝળહળાંટ આંખોને,
કશું મળ્યું નહીં દર્પણમાં બિંબને ખોઈ.

નથી ભરાતી કદી શૂન્યતા અવાજોથી,
તમારા નામની માળા અમે સતત પ્રોઈ.

ત્વચાની ભેખડોમાં ગુંજતા રહ્યાં મંત્રો,
અમે નસોની જનોઈને લોહીમાં ધોઈ.

તમે પ્રકાશની ચર્ચા માત્ર કરતા રહ્યાં,
ઉઘાડી આંખે અમે રાત વિતતા જોઈ.

ગઝલને છેડો તો આસાન થઈ જશે રસ્તો,
અમોને ‘મીર’ બતાવી ગયું કોઈ સોઈ.

– રશીદ મીર (‘પરબ’ માંથી)

આગ લાગે

16 જાન્યુઆરી

આ નદીની છોડ અડતા પથ્થરોમાં આગ લાગે,
સાવ જોતાં રહી જવાથી કોતરોમાં આગ લાગે.

બહુ ફેલાવી ધસે , વરસાદ ભેટે , ગાઢ ભીંસે,
બાદ ગામેગામ, લીલી, ખેતરોમાં આગ લાગે.

કૈં સમયથી ખુદનું એ હોવાપણું ભૂલી ગયા’તા-
વાંસળી વાગે કે ભડભડ ઝાંઝરોમાં આગ લાગે.

વન અને વગડે ફરી નૃત્ય ને ગીતોની રમઝટ,
ઝાંઝરો રણક્યાં કરે ને મર્મરોમાં આગ લાગે.

બંધ લિફાફે હતો છૂપો સળગતો એક તણખો,
પત્ર તારો ખોલતામાં અક્ષરોમાં આગ લાગે.

– હર્ષદ ચંદારાણા (‘પરબ’ માંથી)

બસ ઓ નિરાશ દિલ

9 જાન્યુઆરી

સંગીતમાં   છું   મસ્ત , સુરામાં   તર  છું
માનું   છું   ગુનાહોનું   સળગતું   ઘર  છું

પણ  તુજથી  દરજ્જામાં  વધુ  છું  ઝાહિદ
દુનિયાથી તું પર છે, તો હું તુજ થી પર છું

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે
લાગે  મને  કે  જગમાં  બધા કામયાબ છે.

એમાં  જો  કોઇ  ભાગ ન લે મારી શી કસૂર ?
જે  પી  રહ્યો  છું  હું  તે  બધાની  શરાબ  છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી  વિચિત્ર  પ્રેમની  કોરી  કિતાબ  છે.

બે  ચાર  ખાસ  ચીજ  છે  જેની જ છે  અછત
બાકી  અહીં  જગતમાં  બધું  બેહિસાબ  છે.

ખુદને  ખરાબ  કહેવાની  હિંમત  નથી  રહી
તેથી  બધા  કહે  છે,  જમાનો  ખરાબ  છે.

-મરીઝ