આગ લાગે

16 જાન્યુઆરી

આ નદીની છોડ અડતા પથ્થરોમાં આગ લાગે,
સાવ જોતાં રહી જવાથી કોતરોમાં આગ લાગે.

બહુ ફેલાવી ધસે , વરસાદ ભેટે , ગાઢ ભીંસે,
બાદ ગામેગામ, લીલી, ખેતરોમાં આગ લાગે.

કૈં સમયથી ખુદનું એ હોવાપણું ભૂલી ગયા’તા-
વાંસળી વાગે કે ભડભડ ઝાંઝરોમાં આગ લાગે.

વન અને વગડે ફરી નૃત્ય ને ગીતોની રમઝટ,
ઝાંઝરો રણક્યાં કરે ને મર્મરોમાં આગ લાગે.

બંધ લિફાફે હતો છૂપો સળગતો એક તણખો,
પત્ર તારો ખોલતામાં અક્ષરોમાં આગ લાગે.

– હર્ષદ ચંદારાણા (‘પરબ’ માંથી)

Advertisements

બસ ઓ નિરાશ દિલ

9 જાન્યુઆરી

સંગીતમાં   છું   મસ્ત , સુરામાં   તર  છું
માનું   છું   ગુનાહોનું   સળગતું   ઘર  છું

પણ  તુજથી  દરજ્જામાં  વધુ  છું  ઝાહિદ
દુનિયાથી તું પર છે, તો હું તુજ થી પર છું

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે
લાગે  મને  કે  જગમાં  બધા કામયાબ છે.

એમાં  જો  કોઇ  ભાગ ન લે મારી શી કસૂર ?
જે  પી  રહ્યો  છું  હું  તે  બધાની  શરાબ  છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી  વિચિત્ર  પ્રેમની  કોરી  કિતાબ  છે.

બે  ચાર  ખાસ  ચીજ  છે  જેની જ છે  અછત
બાકી  અહીં  જગતમાં  બધું  બેહિસાબ  છે.

ખુદને  ખરાબ  કહેવાની  હિંમત  નથી  રહી
તેથી  બધા  કહે  છે,  જમાનો  ખરાબ  છે.

-મરીઝ

પ્રેમપ્રીતિ

2 ડીસેમ્બર

ડેરેક વોલકોટ

♣ ♥ ♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥

તારા પોતાના ઘરદ્વારે
તારા ખુદના અરિસામાં
કરીશ સલામ સ્વયં તું ઉત્તેજનાથી
અને મલકાવશે મોં સર્વે,
કરી સુસ્વાગતમ્‌ અન્યનું.
કહીશ,’આવો,બેસો,જમો’
અને કરીશ પ્રેમ ત્રાહિતને ફરી,
સ્વયં જે તું  હતો,
દે દારુ,દે પાઉરોટી,દે દલડું ખુદને તને,
અપરિચિત એ,ચાહ્યો જેણે સદા તને.
જિંદગી સારી,
કરી અવગણના દુજા કાજે,
જાણે પૂરેપૂરો, દિલથી તને,
એમ કર,ફાડી નાખ પ્રેમપત્રો એ બધા
સંઘર્યા હતા અલમારીમાં તે બધા.
તસ્વીરો,નોંધો,સઘળી મરણિયા
ઉખાડી નાંખ,છબી તારી આયનેથી,
માર પલાંઠી ને માણ મિજબાની,
તું જિંદગાની પર.

♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥

કવિશ્રી- ડેરેક વોલકોટ (નૉબલ પ્રાઇઝ વિજેતા કેરેબિયન કવિ)
ગુજરાતી ભાવાનુવાદ – પ્રવિણ પટેલ ‘શશી’ (‘કાવ્યાકાશ’ માંથી.)

મને એક એવી પરી જોઇએ છે

26 નવેમ્બર

રતુંબલ હો ચહેરો, ને હો મચ્યમાં તલ
જરા ચાલ અલ્લડ…સકલ દેહ કોમલ
મગજ સ્થિર થોડું નજર થોડી ચંચલ
અણુએ અણુમાં મચાવી દે હલચલ
મને એક એવી પરી જોઇએ છે

ઢીંલુ ટોપ પ્‍હેરે અને જીન્સ ટાઇટ
પ્રિયંકાને આપે એ ફેશનમાં ફાઇટ
બિપાશાથી થોડીક ઊંચી હો હાઇટ
ભલે પ્‍હેરે એ પેન્સિલ હીલ સેંડલ
મને એક એવી પરી જોઇએ છે

મને જોઇને ઝુલ્ફ એ રીતે ઝટકે
કે ઈર્ષાથી મિત્રો બધા શીશ પટકે
દઉં એને મારું હ્રદય કટકે કટકે
ફગાવે ન એનું બનાવીને બંડલ
મને એક એવી પરી જોઇએ છે

હંસી એની એવી પકડમાં ન આવે
પડે દુઃખ તો એ રોકડમાં ન આવે
જરા ભાવ મળતાં અકડમાં ન આવે
કરી હું શકુ જેને ઈઝીલી હેન્ડલ
મને એક એવી પરી જોઇએ છે

ન કહેવું પડે પ્રેમમાં સ્ટાર્ટ જેને
દરેક જાતની આવડે આર્ટ જેને
ગણે આખી દુનિયા અતિસ્માર્ટ જેને
છતાં એની આગળ હું લાગુ નહીં ડલ
મને એક એવી પરી જોઇએ છે

એ મોર્ડન હો બેશક,જરા હો દેશી
જશોદા હશે તો બનાવીશ જેસી
કરે કૂક, કીચનને રાખે ન મેસી
તળે પૂરી સુંદર,કદી પીરસે નૂડલ
મને એક એવી પરી જોઇએ છે

એ ઇંગ્લિસમાં સમજે ને બોલેય હિન્દી
એ ટેટૂ ય રાખે,કરે ક્યાંરેક બિન્દી
એ પીઝાથી રીઝે,ચલાવી લે ભીંડી
તરત થાય સેટલ શિકાગો કે ગોંડલ
મને એક એવી પરી જોઇએ છે

-ડૉ.રઈશ મનીઆર

મજાનો માર્યો ખરો !

25 નવેમ્બર

વખાનો માર્યો  નથી
વફાનો માર્યો ખરો !

જફાનો હાર્યો નથી
અદાનો માર્યો ખરો !

સર્વદા દર્શ માર્યો નથી
યદાકદા દર્શ પ્યાસો ખરો !

ઘટાનો માર્યો નથી
ઘટાએ ઘેરાયો ખરો !

સજાનો માર્યો નથી
મજાનો માર્યો ખરો !

– વિભાકર ધોળકીયા ‘રસિયા’ ,આદિપુર (કચ્છ)
– ‘આપણી અરસ પરસ’ મેગેઝીન માંથી સાભાર

સમયનું હળ

24 નવેમ્બર

કેટલા ઉંડા હ્રદયના તળ હશે ?
આંસુઓના રૂપમાં ત્યાં જળ હશે !

હું સમીપે પહોંચવા આતૂર છું,
એ મારી લાગણીનું બળ હશે.

હાજરી જ્યાં આપણી દેખાય છે,
ત્યાં જ દમયંતી હશે’ને નળ હશે

ચાખવાનું ભાગ્ય તો ક્યાંરે મળે ?
કેટલાં મીઠા ધિરજના ફળ હશે .

કેમ એને સહેજમાં ઉકેલશો ?
દોર સંબંધોની છે તો વળ હશે.

જિંદગીભર યાદ રૂપે સાંભરે.
એમના સાનિધ્યની એક પળ હશે

કબ્રી ‘મનસૂર’,કરો સમતળ ધરા.
ખેડવા માટે સમયનું હળ હશે.

-મનસૂર કુરેશી,ભાવનગર
(‘આપણી અરસ પરસ’ મેગેઝીન માંથી સાભાર)

કાળું ફૂલ (ગુલે દૂદી)

23 નવેમ્બર

અફઘાનિસ્તાનમાં હેરત શહેરમાં ૨૯ વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની ૨૫ વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી.પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો,અને પત્ની નાદિયા કવિ હતી જેણે ‘ગુલે-દૂદી’ (કાળું ફૂલ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ,નાદિયાના ગઝલ-સંગ્રહમાંથી એક ગઝલ અહીં પ્રસ્તુત છે.

♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣

મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની,
હું  ગાઉં  કે  ન  ગાઉં  મારા  કિસ્મતમાં  નફરત  જ  છે,

મારા મોઢમાં કટુતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ?
મારા   મોઢા   પરના   આ   ક્રૂર   ફટકા   વિષે   શું ક હું ?

હું  આ  ખૂણામાં  પાંજરામાં બંધ છું,વિષાદ અને વેદના સાથે,
હું કોઈ આશય માટે જન્મી નથી,અને મારા હોઠ સીવી લેવાના છે,

મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે,ખુશીની મૌસમ,
પણ  મારી   પાંખો   બંધ  છે   અને   હું  ઊડી  શક્તી  નથી,

હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યાંરે મારું પાંજરુ ખૂલશે,
અને   હું   મારું   માથું   બહાર   કાઢીને   મસ્તીથી   ગઝલ   ગાઈશ,

હું   પવનમાં   હાલતી   લતા   જેવી   કમજોર    નથી,
હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે…

-(ચંદ્રકાંત બક્ષી , ‘યાર બાદશાહો..’માંથી )
-‘લંડન ટાઈમ્સ’ : નવેમ્બર ૧૩,૨૦૦૫