Archive | સૉનેટ RSS feed for this section

અરબી રણ

30 ઓક્ટોબર

ક્ષિતિજ  પણ  રેતની  !  ઢગ  પરે  ઢગ  વિસ્તર્યા;
કરાલતમ   ભૂખરા   ખડક   તો    કરે    દાંતિયા !
દિશા   સકળ  ભેદતી  ગરમ  લૂય  ખાવા  ધસે ;
કશેય  નવ  ઝાંખરું  — તણખલું  ન  લીલું  લસે !

વિરાટ  સૃજી  વિશ્વની  નીલમ વાડી, થાકી જરા,
પ્રજાપતિ  મુખેથી  એક  ધગતો  નિસાસો  સર્યો;
અને  અહીં  હજાર  ગાઉ  તક  ઝળતો  એ  ઝર્યો;
ક્યહીં  રચત  રેતીના  ઢગ , ક્યહીં  સૂકા  ડુંગરા !
બધે   નજર   વિસ્તરે  !  અતૂટ   ચક્રવારો   ચહું;
નથી  નજર  ભાંગવા  કશું  વિવિધ  કે  કૈં  નવું !
વિરાટ    નભટોપને    સકળ    કોરમાં    આવરી
સપાટ  પૃથિવી પડી  સુકલ છાતી ખુલ્લી કરી !

ત્યહીં જનમ  ‘એક માત્ર વિભુ !’- કલ્પનાનો થતો !
— ‘કરાલ  નિજ  લોચને સકલ  લોકને  નાથતો !’

-કૃષ્ણલાલ શ્રીધરાણી

(કોડિયા,સંવર્ધિત નવી આ.,૧૯૭૨, પૃ. ૬  તથા  સાભાર ‘પરબ’ માંથી)

Advertisements