Archive | ભક્તિપદ RSS feed for this section

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

25 સપ્ટેમ્બર

મૂકી દે મેલી મુરાદ ઓ, રાણા !સત મીરાંનું અંતે તરસે

ધાર શમશેરની બુઠ્ઠી થૈ જશે,નભે નવલખ તારા ખરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

મીરાં વિના આખુ રડશે મેવાડ, ને રગરગે વ્યાપશે શૂળ

રોમરોમે મીરાં ફૂટી નીકળશે,ને ઉડશે અજંપાની ધૂળ

ઝેરના કટોરા તારા અમૃત થૈ જાશે,દરિયો ડૂસકું ભરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

મીરાં દુભવીને તું ખાટ્યો શું રાજવી ? મોંઘેરા ચૂકવવાં મૂલ

રૂવેરૂવે ઊના રજકણ સાલશે, ને મીરાં હડસેલ્યાની ભૂલ

એકની બેત્રણ મીરાં થૈ જશે,અમરાવતી ત્યાં ઉતરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

મોહે છટકેલ ને રૂપે ફટકેલ,તારા વાસનાનાં ઉમેટલ પૂરા

ઓતરાદી દિશાથી આવ્યા છે કહેણ,જાવું મીરાંને જોજન દૂર

મીરાં વિના મંદિર સૂનુ થૈ જાશે,ભૂખી ભૂતાવળ ત્યાં ફરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

મૂકી દે મેલી મુરાદ ઓ, રાણા !સત મીરાંનું અંતે તરસે

ધાર શમશેરની બુઠ્ઠી થૈ જશે,નભે નવલખ તારા ખરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

-જીવાભાઈ પ્રજાપતિ (આણંદ)

Advertisements