Archive | કવિતા RSS feed for this section

અટવાણી

5 મે

હોઠે રમતા શબ્દ સર્યા ને,
અટવાણી જીભ અંદર,
ક્ષણભર,હલીચલી ના સદંતર…
ગીત ગુંજતું રહ્યું ગગનમાં,
ઝણકે ઝાંઝર મનમાં,
પચરંગી પટકૂળ સરકતું,
કોરે કેશ પવનમાં,
ઊભી-ઊભી, તે ઊભા મારગે
જડવત મૂંગી મંતર.
ક્ષણભર,હલીચલી ના સદંતર…
સરોવર ઊંચે પાળ હઠીલો,
બેઠો પોપટ ઢીલો,
સહિયર સંગે જળ ભરવાને
કેમ, ચાતરું ચીલો?
ચોરે ચણભણ પંચ-પારખું
કોણ બજાવે જંતર?
અટવાણી જીભ અંદર…

-ચંદ્રકાંત અમરેલિયા (અમદાવાદ)

Advertisements

મને એક એવી પરી જોઇએ છે

26 નવેમ્બર

રતુંબલ હો ચહેરો, ને હો મચ્યમાં તલ
જરા ચાલ અલ્લડ…સકલ દેહ કોમલ
મગજ સ્થિર થોડું નજર થોડી ચંચલ
અણુએ અણુમાં મચાવી દે હલચલ
મને એક એવી પરી જોઇએ છે

ઢીંલુ ટોપ પ્‍હેરે અને જીન્સ ટાઇટ
પ્રિયંકાને આપે એ ફેશનમાં ફાઇટ
બિપાશાથી થોડીક ઊંચી હો હાઇટ
ભલે પ્‍હેરે એ પેન્સિલ હીલ સેંડલ
મને એક એવી પરી જોઇએ છે

મને જોઇને ઝુલ્ફ એ રીતે ઝટકે
કે ઈર્ષાથી મિત્રો બધા શીશ પટકે
દઉં એને મારું હ્રદય કટકે કટકે
ફગાવે ન એનું બનાવીને બંડલ
મને એક એવી પરી જોઇએ છે

હંસી એની એવી પકડમાં ન આવે
પડે દુઃખ તો એ રોકડમાં ન આવે
જરા ભાવ મળતાં અકડમાં ન આવે
કરી હું શકુ જેને ઈઝીલી હેન્ડલ
મને એક એવી પરી જોઇએ છે

ન કહેવું પડે પ્રેમમાં સ્ટાર્ટ જેને
દરેક જાતની આવડે આર્ટ જેને
ગણે આખી દુનિયા અતિસ્માર્ટ જેને
છતાં એની આગળ હું લાગુ નહીં ડલ
મને એક એવી પરી જોઇએ છે

એ મોર્ડન હો બેશક,જરા હો દેશી
જશોદા હશે તો બનાવીશ જેસી
કરે કૂક, કીચનને રાખે ન મેસી
તળે પૂરી સુંદર,કદી પીરસે નૂડલ
મને એક એવી પરી જોઇએ છે

એ ઇંગ્લિસમાં સમજે ને બોલેય હિન્દી
એ ટેટૂ ય રાખે,કરે ક્યાંરેક બિન્દી
એ પીઝાથી રીઝે,ચલાવી લે ભીંડી
તરત થાય સેટલ શિકાગો કે ગોંડલ
મને એક એવી પરી જોઇએ છે

-ડૉ.રઈશ મનીઆર

તલવારનો વારસદાર

17 ઓક્ટોબર

 

દિકરી ઈન્દૂ સાથે ઝવેરચંદ મેઘાણી

 

ભેટ્યે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે!

મારા બાપુને બહેન! બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ…
મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડીઓ
નાને માગી છે તલવાર…

મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર…
મોટો ચડિયો છે કાંઈ હાથી અંબાડિયે
નાનેરો ઘોડે અસવાર…

મોટો કાઢે છે રોજ કાયા કસુંબલા
નાનેરો ધૂમે કમસાણ…
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલીએ
નાનો ડુંગરડાની ધાર…

મોટો મઢાવે વેઢ વીંટી ને હારલા
નાનો સજાવે તલવાર…
મોટાને સોહે હીર-ઝરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ…

મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર…
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો ઝીંકે છે ઘાવ…
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો

નાનેરો સૂતો સંગ્રામ…
મોટેરે, માડી! તારી કૂખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર…
મોટાનાં મોત ચાર ડાધુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય…

– ઝવેરચંદ મેઘાણી

ગાંધી તું હવે ભાષણમાં જ રહી ગયો,

24 જુલાઈ

શ્રી રમેશ ચૌહાણ

ગાંધી  તું હવે ભાષણમાં જ રહી ગયો,
ને    જીવનથી  ઘણો  દૂર  વહી ગયો,

તારા   આદર્શોને   તારા    સિધ્ધાંતોને,
જૂઠો નેતા કેટલી સહજતાં થી કહી ગયો,

ગાંધી   તું  હવે ભાષણમાં  જ  રહી  ગયો,

જોયાં  છે  માર્ગ  પર  મે  સત્ય – અહિંસા,
ને  તેની  ઊપર  ઓવરબ્રિજ  થઈ ગયો,

ગાંધી  તું  હવે  ભાષણમાં  જ   રહી ગયો,

‘ઈન્સાન’ તો ઈચ્છે છે ગાંધી નો સથવારો,
ને  માણસોનો  આદર્શ  ગોડસે  થઈ ગયો,

ગાંધી  તું  હવે  ભાષણમાં  જ  રહી  ગયો,

-રમેશ ચૌહાણ

તું થાકીપાકી જ્યારે આવે છે – નારાયણ સુર્વે

18 જુલાઈ

પાંજરામાંની મારી દુનિયામાં કલકલાટ જાગે છે

તું જ્યાંરે થાકીપાકી પાછી આવે છે

બારીમાં આવીને બેસે છે આકાશનું પંખી સુંદર

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

ગોળમટોળ ગાલોનું,

સસલું એકદમ હસી ઊઠે છે

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

તું જ્યારે થાકીપાકી પાછી આવે છે

ત્યારે જાણે મારો જીવ પાછો આવે છે

ઘરમાં શીતળ એવો તડકો.

[‘મરાઠી કવિતા’માંથી,મૂળ કવિશ્રી -નારાયણ સુર્વે]

[અનુવાદ- વસંત જોશી]

મરાઠી કવિ નારાયણ સુર્વેની આ કૃતિમાં સાત્વિક અને પ્રસન્ન દાંપત્યભાવનું નિરૂપણ છે.કાવ્યનાયક કોઈક કારણસર ઘરની બહાર નીકળી શક્તો નથી અને તેથી જ પત્નીને કોઈ નોકરી કરવી પડે છે.રોજ નોકરીએથી છૂટી પત્ની સાંજે ઘરે આવતી હોય છે ત્યારે નાયક કયા મનોભાવો અનુભવે છે એનું નિરૂપણ આ કાવ્યમાં છે.નાયકે પોતાને માટે ‘પાંજરામાંની મારી દુનિયા’ શબ્દો વાપર્યા છે,જે સંભવત : એની અપંગતા અને ગતિહીનતા સૂચવે છે.નાયિકાનું આગમન એને કલરવમય બનાવી દે છે.નાયિકાના આવતાં ઘરનું ગોળમટોળ ગાલવાળું સસલું હસી ઊઠવાની વાત હ્નષ્ટપુષ્ટ બાળકનો સંકેત કરતી લાગે છે.પતિના જીવમાં જીવ આવે છે અને તે સાથે સમગ્ર ઘરમાં પણ જીવ આવે છે.કાવ્યનાયકનું પોતાનું જીવન પિંજરબદ્ધ છે અને તેથી અંધકારમય છે પણ એ અંધકારમય જીવનખંડમાં નાયિકાનું આગમન એને મીઠા તડકા જેવું અને મુક્ત પંખીના કલરવ જેવું લાગે છે.’શીતળ એવો તડકો’ જેવા પરસ્પર વિરોધી શબ્દો મૂકીને કવિએ અહીં ‘તાપ’ નહીં પણ ‘હૂંફ’નો ભાવ પ્રગટ કરી આપ્યો છે.