Archive | પરિચય પર્ણ RSS feed for this section

બક્ષી – અઢી અક્ષરનો બળુકો શબ્દ !

21 નવેમ્બર

 

ચંદ્રકાંત બક્ષી

બક્ષી –
અઢી અક્ષરનો બળુકો શબ્દ !
લખે,બોલે કે વિચારે – બધું ધોધમાર…
તેજાબી અને તોખારી અને તેજસ્વી કલમબાજ…
ઓગાળેલી વીજળીમાં કલમ ઝબોળીને આ શખ્સે
એક વાવાઝોડું સર્જી નાખ્યું.

 

બક્ષીએ લખવાનું શરૂ કર્યું ત્યારે
ગાંધી યુગનો છેલ્લો દસકો ચાલતો હતો.
લેખક એટલે કફની ઝભ્ભો પહેરીને,ખભે થેલો લટકાવી,
ચાવી ચાવીને બોલતો સહેજ ‘ક્રૅક’ માણસ- તેવી લોકછાપ હતી.

લખાણની શૈલી સુરમ્ય તત્સમ્‌ શબ્દોથી
અથવા ગ્રામ્ય શબ્દોથી લચેલી રહેતી,
અને કથાવસ્તુ હું,મારા ધર્મપત્ની,
મોગરાની વેણી,વિધવાની વ્યથા વગેરે…
ઉચ્ચ મધ્યવર્ગીય ગુજરાતી ઘરની જિંદગીની આસપાસ રચાતું.

આવા સુઘડ,સર્વસંમત,શાલીન,મૃદુભાષી,
શાકાહારી ગુજરાતી કાચની દુકાનમાં આખલાની જેમ
ધસી આવીને બક્ષીએ ભાંગફોડ કરી મૂકી.
તદ્દન નવા પ્રકારના કથાનકને પાસાંદાર ઉર્દૂ અલ્ફાઝથી
‘લૈસ’ કુરમુરી જબાનથી પેશ કરીને
બક્ષીએ વિવેચકોને જીતી લીધા.
મનની વાત મમળાવીને નહીં પરંતુ
મરચું ભભરાવીને કહેવાની એમની લઢણ હતી.
મધુરવાણી કહે છે કે, ‘બક્ષીની અસર હેઠળ લખાતા
અને એમની મર્દાના શૈલીની રીતસર નકલ કરતા
આજે કુડીબંધ ગુજરાતી લેખકો હશે.’

બક્ષી ફક્ત સાહિત્યકાર ન’હોતા,તેનાથી ઘણા વિશેષ હતા.
એમના પોણાબસો ઉપરાંત પુસ્તકોમાં ફેલાયેલી એમની કૉલમોએ
પત્રકારત્વમાં પણ એવો જ ‘બક્ષી કલ્ટ’ ઊભો કરેલો.એ કૉલમોમાં
વ્યક્ત થયેલા એમના રાજકીય વિચારોએ ગુજરાતની બે-ત્રણ પેઢીઓના
જીવન પર અસર કરી હશે.

ગુજરાત અને ગુજરાતી સાહિત્યમાં બક્ષી આવતા સો વર્ષ સુધી વંચાતા
રહેશે,અને તે પછી એમના વિશે દંતકથાઓ રચાતી રહેશે કે,બક્ષી બંને
હાથે લખતા…બક્ષી હાઇડ્રોક્લોરિક ઍસિડની શાહી વાપરતા…બક્ષી
સાડા છ ફૂટ ઊંચા હતા !

વસ્તુત: બક્ષી પાંચ ફૂટ ચાર ઇંચ ઊંચા હતા.
પણ ‘એક મુઠી ઊંચા’ માનવી હતા.!

-(‘યાર બાદશાહો…’ માંથી સાભાર)

Advertisements

પહેલો વાર્તાકાર ‘શામળ’

25 જુલાઈ

જન્મ : ઈ.સ ૧૬૯૪ ,મૃત્યુ : ઈ.સ ૧૭૬૯

શામળ ભટ્ટ

મધ્યકાલીન સાહિત્યમાં કવિ શામળ ભટ્ટ સૌથી વધૂ લોકપ્રિય પદ્યવાર્તાકાર હતા.અમદાવાદ પાસેના વેંગણપુરના-હાલના ગોમતીપુરના તેઓ વતની હતા.પિતાનું નામ વિશ્વેશ્વર અને ગુરુનું નામ નાનાભટ્ટ હતું.કથાકાર તેમનો વ્યવસાય હતો,પછીથી તેઓ વાર્તા કહેવા લાગ્યા.તેમને સંસ્કૃત,વ્રજ અને ફારસી ભાષાઓનો અભ્યાસ હતો.સંસ્કત ,પ્રાકૃત અને અપભ્રશંકાળની કથાઓનો આધાર લઈ અને તેમણે પ્રેમ અને પરાક્રમની અદ્‍ભુતરસથી ભરેલી પદ્યવાર્તાઓ આપી છે.કથા રસજળવાય એ રીતે વર્ણનો ખીલવીને,ભાષાને પદ્યમાં સુંગમ રીતે પ્રયોજીને તેમણે વાર્તાવિકાસ સાધ્યો છે.એ રીતે શામળની વાર્તાઓનું વાતાવરણ કૌતુકસભર,ચમત્કારપૂર્ણ અને પ્રસન્‍નકર હોય છે.વાર્તાનું પરંપરાનું માળખુ સ્વીકારી તેમાંના પ્રસંગોને પોતાની રીતે ખીલવવાની ,પત્રસ્વભાવને સચોટ રીતે વ્યક્ત કરવાની તથા જરૂરી વિસ્તાર કરીને કથારસ જમાવવાની આવડતને કારણે શામળની પદ્યવાર્તાઓ આકર્ષક બની છે.

શામળ તેમની વાર્તાઓમાં સમસ્યા-ઉખાણાં તથા નીતિબોધના છપ્પા વગેરે ગૂંથીને તેમનું મૂલ્ય વધારે છે.આમ શામળની વાર્તાઓ  મનોરંજકતા,કૌતુકમયતા અને બોધકતાથી ધ્યાનપાત્ર ઠરી છે.

લોકકથાશ્રયી પદ્યવાર્તાઓ દ્વારા શામળનો ઉદ્દેશ સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો રહ્યો જણાય છે.

‘પદ્માવતી’ , ‘ચંદ્ર-ચંદ્રાવતી’ , ‘મદનમોહના’ , ‘સિંહાસનબત્રીશી’ , ‘વેતાલપચ્ચીશી’ , ‘નંદબત્રીશી’ , ‘સૂડા-બહોતેરી’ જેવી તેમની સંખ્યાબંધ પદ્યવાર્તાઓએ વર્ષોથી બહુજનસમાજનું મનોરંજન કર્યુ છે.શામળે પદ્યવાર્તાઓ ઉપરાંત ‘શિવપુરાણ’ , ‘અંગદવિષ્ટી’  જેવી રચનાઓ પણ આપી છે.