Archive | ચંદ્રકાંત બક્ષી RSS feed for this section

હું એક જ છું – ચંદ્રકાંત બક્ષી

11 મે

જીવનના અંતિમ ઉચ્છ્ર્વાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી.
એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે.
પણ એનો દ્વિતીય નથી,
એના અંગૂઠાની છાપ, એના અક્ષરોના મરોડ,
એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ,
એના અનુભવનો ગ્રાફ,
એના ભૂતકાળના ઉભાર ઉતાર,
એના રક્તસંબંધો અને દિલસંબંધો,
એનું પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને
એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે
જ્યારે કહી શકે છે :

એકો અહં, દ્વિતીયો નાસ્તિ …..
ન ભૂતો ન ભવિષ્યતિ …..
હું એક જ છું .
મારા જેવો બીજો નથી.

– ચંદ્રકાંત બક્ષી

Advertisements

કાળું ફૂલ (ગુલે દૂદી)

23 નવેમ્બર

અફઘાનિસ્તાનમાં હેરત શહેરમાં ૨૯ વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની ૨૫ વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી.પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો,અને પત્ની નાદિયા કવિ હતી જેણે ‘ગુલે-દૂદી’ (કાળું ફૂલ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ,નાદિયાના ગઝલ-સંગ્રહમાંથી એક ગઝલ અહીં પ્રસ્તુત છે.

♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣

મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની,
હું  ગાઉં  કે  ન  ગાઉં  મારા  કિસ્મતમાં  નફરત  જ  છે,

મારા મોઢમાં કટુતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ?
મારા   મોઢા   પરના   આ   ક્રૂર   ફટકા   વિષે   શું ક હું ?

હું  આ  ખૂણામાં  પાંજરામાં બંધ છું,વિષાદ અને વેદના સાથે,
હું કોઈ આશય માટે જન્મી નથી,અને મારા હોઠ સીવી લેવાના છે,

મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે,ખુશીની મૌસમ,
પણ  મારી   પાંખો   બંધ  છે   અને   હું  ઊડી  શક્તી  નથી,

હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યાંરે મારું પાંજરુ ખૂલશે,
અને   હું   મારું   માથું   બહાર   કાઢીને   મસ્તીથી   ગઝલ   ગાઈશ,

હું   પવનમાં   હાલતી   લતા   જેવી   કમજોર    નથી,
હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે…

-(ચંદ્રકાંત બક્ષી , ‘યાર બાદશાહો..’માંથી )
-‘લંડન ટાઈમ્સ’ : નવેમ્બર ૧૩,૨૦૦૫

બક્ષી – અઢી અક્ષરનો બળુકો શબ્દ !

21 નવેમ્બર

 

ચંદ્રકાંત બક્ષી

બક્ષી –
અઢી અક્ષરનો બળુકો શબ્દ !
લખે,બોલે કે વિચારે – બધું ધોધમાર…
તેજાબી અને તોખારી અને તેજસ્વી કલમબાજ…
ઓગાળેલી વીજળીમાં કલમ ઝબોળીને આ શખ્સે
એક વાવાઝોડું સર્જી નાખ્યું.

 

બક્ષીએ લખવાનું શરૂ કર્યું ત્યારે
ગાંધી યુગનો છેલ્લો દસકો ચાલતો હતો.
લેખક એટલે કફની ઝભ્ભો પહેરીને,ખભે થેલો લટકાવી,
ચાવી ચાવીને બોલતો સહેજ ‘ક્રૅક’ માણસ- તેવી લોકછાપ હતી.

લખાણની શૈલી સુરમ્ય તત્સમ્‌ શબ્દોથી
અથવા ગ્રામ્ય શબ્દોથી લચેલી રહેતી,
અને કથાવસ્તુ હું,મારા ધર્મપત્ની,
મોગરાની વેણી,વિધવાની વ્યથા વગેરે…
ઉચ્ચ મધ્યવર્ગીય ગુજરાતી ઘરની જિંદગીની આસપાસ રચાતું.

આવા સુઘડ,સર્વસંમત,શાલીન,મૃદુભાષી,
શાકાહારી ગુજરાતી કાચની દુકાનમાં આખલાની જેમ
ધસી આવીને બક્ષીએ ભાંગફોડ કરી મૂકી.
તદ્દન નવા પ્રકારના કથાનકને પાસાંદાર ઉર્દૂ અલ્ફાઝથી
‘લૈસ’ કુરમુરી જબાનથી પેશ કરીને
બક્ષીએ વિવેચકોને જીતી લીધા.
મનની વાત મમળાવીને નહીં પરંતુ
મરચું ભભરાવીને કહેવાની એમની લઢણ હતી.
મધુરવાણી કહે છે કે, ‘બક્ષીની અસર હેઠળ લખાતા
અને એમની મર્દાના શૈલીની રીતસર નકલ કરતા
આજે કુડીબંધ ગુજરાતી લેખકો હશે.’

બક્ષી ફક્ત સાહિત્યકાર ન’હોતા,તેનાથી ઘણા વિશેષ હતા.
એમના પોણાબસો ઉપરાંત પુસ્તકોમાં ફેલાયેલી એમની કૉલમોએ
પત્રકારત્વમાં પણ એવો જ ‘બક્ષી કલ્ટ’ ઊભો કરેલો.એ કૉલમોમાં
વ્યક્ત થયેલા એમના રાજકીય વિચારોએ ગુજરાતની બે-ત્રણ પેઢીઓના
જીવન પર અસર કરી હશે.

ગુજરાત અને ગુજરાતી સાહિત્યમાં બક્ષી આવતા સો વર્ષ સુધી વંચાતા
રહેશે,અને તે પછી એમના વિશે દંતકથાઓ રચાતી રહેશે કે,બક્ષી બંને
હાથે લખતા…બક્ષી હાઇડ્રોક્લોરિક ઍસિડની શાહી વાપરતા…બક્ષી
સાડા છ ફૂટ ઊંચા હતા !

વસ્તુત: બક્ષી પાંચ ફૂટ ચાર ઇંચ ઊંચા હતા.
પણ ‘એક મુઠી ઊંચા’ માનવી હતા.!

-(‘યાર બાદશાહો…’ માંથી સાભાર)