Archive | સપ્ટેમ્બર, 2010

શું ?

29 સપ્ટેમ્બર

હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?
સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું ?

ભરીને આંખમાં પાણી સૂરજને દેખવાથી શું ?
કે એ છલના નો સર્જક કમ હશે કંઈ ઝાંઝવાથી શું ?

પડયા તો છો પડ્યા, અહીં ધ્રૂજતી ધીરજના પડછાયા,
લથડતી ચાલ, ઠાલું પાત્ર, સંયમ રાખવાથી શું ?

ફલક પર જિંદગીના ભૂલથી ભટકયા, ચલો મંજુર
ગ્રહો નબળા કહી, નભને ઉતારી પાડવાથી શું ?

‘ગની’ ગીતોની, ટહુકાની તરહ બદલાય ઉદ્યાને,
પુરાણી ડાળના પંખી બનીને બેસવાથી શું ?

-ગની દહીંવાલા

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

25 સપ્ટેમ્બર

મૂકી દે મેલી મુરાદ ઓ, રાણા !સત મીરાંનું અંતે તરસે

ધાર શમશેરની બુઠ્ઠી થૈ જશે,નભે નવલખ તારા ખરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

મીરાં વિના આખુ રડશે મેવાડ, ને રગરગે વ્યાપશે શૂળ

રોમરોમે મીરાં ફૂટી નીકળશે,ને ઉડશે અજંપાની ધૂળ

ઝેરના કટોરા તારા અમૃત થૈ જાશે,દરિયો ડૂસકું ભરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

મીરાં દુભવીને તું ખાટ્યો શું રાજવી ? મોંઘેરા ચૂકવવાં મૂલ

રૂવેરૂવે ઊના રજકણ સાલશે, ને મીરાં હડસેલ્યાની ભૂલ

એકની બેત્રણ મીરાં થૈ જશે,અમરાવતી ત્યાં ઉતરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

મોહે છટકેલ ને રૂપે ફટકેલ,તારા વાસનાનાં ઉમેટલ પૂરા

ઓતરાદી દિશાથી આવ્યા છે કહેણ,જાવું મીરાંને જોજન દૂર

મીરાં વિના મંદિર સૂનુ થૈ જાશે,ભૂખી ભૂતાવળ ત્યાં ફરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

મૂકી દે મેલી મુરાદ ઓ, રાણા !સત મીરાંનું અંતે તરસે

ધાર શમશેરની બુઠ્ઠી થૈ જશે,નભે નવલખ તારા ખરશે

હવે મીરાં પાછી કદી નહીં ફરશે

-જીવાભાઈ પ્રજાપતિ (આણંદ)

છોડી દે

20 સપ્ટેમ્બર

એક  બે  ત્રણ  ચાર  છોડી  દે.
ઊગતો   અંધકાર   છોડી  દે.

તોજ નમણી નિરાંત નિરખાશે,
તુ   તને  બારો  બાર  છોડી દે.

આપમેળેજ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

આજની   મહેકજ   માણી  લે,
કાલનો  ઘેઘૂર  ભાર   છોડી  દે.

હાથમાં લેવું પડે હલેસું પણ ,
માત્ર મનનો મદાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક  અમથી  નકાર  છોડી  દે.

છેડ  છાડ  ઝાઝી  તું  રહેવા  દે,
સ્હેજ   છેડીને   તાર છોડી  દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
શબ્દની  સારવાર  છોડી  દે.

-નીતિન વડગામા

છું હું

19 સપ્ટેમ્બર

ભીડ ભરેલો ભરચક છું હું
કોલાહલની છાલક છું હું
ઘડિયાળોની ટકટક છું હું
આ નગરની વાચાળે.

એકાંતે અટવાતો ચાલું
મારાથી અકડાતો ચાલું
હું જ મને અથડાતો ચાલું
આ સફરની વાચા

-મનોજ ખંડેરિયા

ડર

19 સપ્ટેમ્બર

ચાહત તો સૌને પુષ્પની,
પણ કંટકોનો ડર છે,
છતાં હકીકત એ જ કે
કંટકો જ પુષ્પનો રક્ષક છે!

છે કિનારા અલગ,
પણ સરિતાને જળનો ડર છે,
કિંતુ કથા જળની એ જ કે,
સરિતાનું અસ્તિત્વ બને છે!

નયનના બે પોપચાંને,
અશ્રુઓનો ડર છે,
ખરું કહો તો આ જ અશ્રુઓ,
નયનોની શોભા બને છે!

-ચંદ્રકાંત સુથાર, અમદાવાદ