Archive | જુલાઇ, 2010

તારો અવાજ ધીમો કર

27 જુલાઈ

સાંભળ     ,  વન    મોરલાના   ટહૂકાર,

બંધ કર કકડાટ,તારો અવાજ ધીમો કર,


થોભ , સાંભળ મંદિરીયાનો શંખનાદ,

બેસ  અહીં , તારો  અવાજ  ધીમો  કર,


સાંભળ   ,   ભમરાના    ગીત    ગુંજન,

ક્યાં જાય છે ? તારો અવાજ ધીમો કર,


જોઈલે ! મૃગજળમાં ઉછળતા મોજા,

નયન  ખોલ, તારો અવાજ  ધીમો  કર,


લ્યો  ! પ્રેમના  ખજાના  ખોલી  નાખ્યા,

લૂંટીલે અંશને ,તારો અવાજ ધીમો કર.


-અંશ

Advertisements

પહેલો વાર્તાકાર ‘શામળ’

25 જુલાઈ

જન્મ : ઈ.સ ૧૬૯૪ ,મૃત્યુ : ઈ.સ ૧૭૬૯

શામળ ભટ્ટ

મધ્યકાલીન સાહિત્યમાં કવિ શામળ ભટ્ટ સૌથી વધૂ લોકપ્રિય પદ્યવાર્તાકાર હતા.અમદાવાદ પાસેના વેંગણપુરના-હાલના ગોમતીપુરના તેઓ વતની હતા.પિતાનું નામ વિશ્વેશ્વર અને ગુરુનું નામ નાનાભટ્ટ હતું.કથાકાર તેમનો વ્યવસાય હતો,પછીથી તેઓ વાર્તા કહેવા લાગ્યા.તેમને સંસ્કૃત,વ્રજ અને ફારસી ભાષાઓનો અભ્યાસ હતો.સંસ્કત ,પ્રાકૃત અને અપભ્રશંકાળની કથાઓનો આધાર લઈ અને તેમણે પ્રેમ અને પરાક્રમની અદ્‍ભુતરસથી ભરેલી પદ્યવાર્તાઓ આપી છે.કથા રસજળવાય એ રીતે વર્ણનો ખીલવીને,ભાષાને પદ્યમાં સુંગમ રીતે પ્રયોજીને તેમણે વાર્તાવિકાસ સાધ્યો છે.એ રીતે શામળની વાર્તાઓનું વાતાવરણ કૌતુકસભર,ચમત્કારપૂર્ણ અને પ્રસન્‍નકર હોય છે.વાર્તાનું પરંપરાનું માળખુ સ્વીકારી તેમાંના પ્રસંગોને પોતાની રીતે ખીલવવાની ,પત્રસ્વભાવને સચોટ રીતે વ્યક્ત કરવાની તથા જરૂરી વિસ્તાર કરીને કથારસ જમાવવાની આવડતને કારણે શામળની પદ્યવાર્તાઓ આકર્ષક બની છે.

શામળ તેમની વાર્તાઓમાં સમસ્યા-ઉખાણાં તથા નીતિબોધના છપ્પા વગેરે ગૂંથીને તેમનું મૂલ્ય વધારે છે.આમ શામળની વાર્તાઓ  મનોરંજકતા,કૌતુકમયતા અને બોધકતાથી ધ્યાનપાત્ર ઠરી છે.

લોકકથાશ્રયી પદ્યવાર્તાઓ દ્વારા શામળનો ઉદ્દેશ સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો રહ્યો જણાય છે.

‘પદ્માવતી’ , ‘ચંદ્ર-ચંદ્રાવતી’ , ‘મદનમોહના’ , ‘સિંહાસનબત્રીશી’ , ‘વેતાલપચ્ચીશી’ , ‘નંદબત્રીશી’ , ‘સૂડા-બહોતેરી’ જેવી તેમની સંખ્યાબંધ પદ્યવાર્તાઓએ વર્ષોથી બહુજનસમાજનું મનોરંજન કર્યુ છે.શામળે પદ્યવાર્તાઓ ઉપરાંત ‘શિવપુરાણ’ , ‘અંગદવિષ્ટી’  જેવી રચનાઓ પણ આપી છે.

દુહા – રમણભાઈ નીલકંઠ

25 જુલાઈ

ગુણની   ઉપર  ગુણ  કરે   એ  તો  વ્હેવારાં- વટ્ટ,

અવગુણ   ઉપર  ગુણ  કરે  ખરી  ખતરિયાં-વટ્ટ,


ચંગા  માડુ    ઘર   રહે ,  ત્રણ્ય  અવગુણ   હોય;

કપ્પડ   ફાટે , ઋણ  વધે , નામ  ન  જાને  કોય.

-રમણભાઈ નીલકંઠ

➡  દુહા લોકસાહિત્યની પરંપરામાંથી આવેલું કાવ્ય સ્વરૂપ છે.એમાં બે પંક્તિઓના (ચાર ચરણોના) એકમમાં ભાવ વેધક રીતે રજૂ થાય છે.કંઠસ્થ પરંપરામાં એ ખૂબ સચવાયા છે.શ્રી રમણભાઈ રચિત દુહાઓમાં પણ બબ્‍બે પંક્તિમાં સચોટ અનુભવનિરૂપણ જોવા મળે છે.

ગુણની ઉપર ગુણ કરનારા તો વ્યવહારધર્મ નિભાવે છે,પણ અવગુણ ઉપર ગુણ કરનારા સાચા વીરધર્મનું પાલન કરે છે અને એ જ સાચા ક્ષત્રિયો છે એવો ભાવ પ્રથમ દુહામાં છે.

બીજા દુહામાં કચ્છની ધરતીનો ભાવ કચ્છીશબ્દપ્રયોગમાં પ્રગટ થયો છે.સાહસના અભાવે કે પ્રમાદે વ્યક્તિ ઘરમાં ને ઘરમાં રહે તો એનાં કપડાં તો ફાટે પણ સાથે દેવુંય વધે અને નામ સુધ્ધાંનો લોપ થઈ જાય.સ્વસ્થ અને સમર્થ માણસ પુરુષાર્થ ન કરે તો અપકીર્તિ પામે.આમ,આ દુહામાં લોકકવિએ સાહસ માટે બહાર નિકળનાર સશક્ત ,તન,મન અને ધનથી સમર્થ માણસની બધી રીતે ચડતી જાય છે એ સૂચવ્યું છે.

આંખો – ડૉ.કલ્પેન્દુ વૈષ્ણવ

24 જુલાઈ

ડૉ.કલ્પેન્દુ વૈષ્ણવ

રોજ  મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,
હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો.

ચાલતો  રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,
દરિયો   જો  દેખાય  તો વહેમાય છે આંખો.

વાવ્યા’તા   સૂર્યમુખી  ને  ઉગ્યાં  ચોમાસાં,
છતે   પાણીએ   હવે   કરમાય   છે  આંખો.

ઉજાગરા સમી જીન્દગી વેઠવી ક્યાં સુધી,
મરજી   મુજબ   ક્યાં   બીડાય   છે  આં ખો?

-ડૉ. કલ્પેન્દુ વૈષ્ણવ

E mail :- kalpendu.vaishnav (at) gmail (Dot) com

ગાંધી તું હવે ભાષણમાં જ રહી ગયો,

24 જુલાઈ

શ્રી રમેશ ચૌહાણ

ગાંધી  તું હવે ભાષણમાં જ રહી ગયો,
ને    જીવનથી  ઘણો  દૂર  વહી ગયો,

તારા   આદર્શોને   તારા    સિધ્ધાંતોને,
જૂઠો નેતા કેટલી સહજતાં થી કહી ગયો,

ગાંધી   તું  હવે ભાષણમાં  જ  રહી  ગયો,

જોયાં  છે  માર્ગ  પર  મે  સત્ય – અહિંસા,
ને  તેની  ઊપર  ઓવરબ્રિજ  થઈ ગયો,

ગાંધી  તું  હવે  ભાષણમાં  જ   રહી ગયો,

‘ઈન્સાન’ તો ઈચ્છે છે ગાંધી નો સથવારો,
ને  માણસોનો  આદર્શ  ગોડસે  થઈ ગયો,

ગાંધી  તું  હવે  ભાષણમાં  જ  રહી  ગયો,

-રમેશ ચૌહાણ

હાઇકુ -ઉશનસ્‌

20 જુલાઈ

પાનખર

ડાળથી છેલ્લું

ખરે પર્ણ,પછીયે

ખરે શૂન્યતા.

[આ હાઇકુમાં પાનખરમાંની શૂન્યતાનું ચિત્ર છે.પર્ણોના અભાવથી વૃક્ષ પર હવે શૂન્યતા છવાયેલી છે,પણ કવિની વિશેષતા એ વૃક્ષ પરથી હજુયે પર્ણને બદલે શૂન્યતા ખરી રહી હોય એવું બતાવવામાં આવ્યુ છે.અહીં કવિ પાનખરની ભેંકારતોનો પણ અબુભવ કરાવે છે.]

મધ્યાહ્‍ન

મધ્યાહ્‍નઃ વડ

નીચે કૂંડાળું વળ્યું

છાયાનું ધણ

[આ હાઇકુમાં મધ્યાહ્‍ને વડના વૃક્ષ નીચે કૂંડાળું વળી બેઠેલી ગાયોના ધણને ચિત્રાંકિત કર્યુ છે.અહીં ગાયોનો સીધો ઉલ્લેખ કરવાને બદલે છાયાના ધણનો ઉલ્લેખ કર્યો છે.વડ નીચેના છાંયા સાથે જાણે એકાકાર થઈ ગયેલી ગાયોનું આ રમણીય ચિત્ર છે.]

શરદ

કાલે ખેતરે

ગાડું; ને આજે તો

ખેતર ગાડે.

[આ હાઇકુમાં ખેતરમાં ઊગેલી પાકની સમૃદ્ધિ ગાડે મૂકીને આવતા ખેડુનું ચિત્ર છે,પહેલાં ખેતરમાં ગાડું ફરતું હતું પણ હવે આખું ખેતર ગાડે ઠલવાયું છે.શરદ ઋતુની ફસલની સમૃદ્ધિનો અહીં ‘ગાડે ખેતર’ના પ્રયોગ દ્વારા સરસ ચિતાર રજૂ થાય છે.’ખેતરે ગાડું’ અને ‘ગાડે ખેતર’ ના શબ્દક્રમની હેરફેરથી કવિએ ચાતુર્યપૂર્વક શરદનું ચિત્ર ઉપસાવ્યું છે.]

-ઉશનસ્‌ [‘સમસ્ત કવિતા’ માંથી]

દિલમાં ડૂબજે – શેખાદમ આબુવાલા

19 જુલાઈ

જા    ભલે   અંધારઘેર્યા   આભમાં,

તેજની જ્યોતિ વિના આવીશ મા;

ડૂબવું   જો   હોય   દિલમાં    ડૂબજે,

પણ પછી મોતી વિના આવીશ મા.

-શેખાદમ આબુવાલા [‘ચાંદની’ માંથી]

શેખાદમ આબુવાલાના આ મુકતકમાં અંધકારમાંથી પ્રકાશ બહાર લાવી આપવાની વાત છે.મૃત્યુના અંધકાર પછી પણ જીવનનો પ્રકાશ છે જ. ડૂબવું હોય તો દિલમાં ડૂબકી મારી અંતસ્તલે રહેલાં મોતી વીણી લાવવાં જોઈએ.અત્યંત લાઘવથી કવિએ અંધારાંની ભીતર રહેલા ઉજાસની વાત અહીં કરી છે.