હું એક જ છું – ચંદ્રકાંત બક્ષી

11 મે

જીવનના અંતિમ ઉચ્છ્ર્વાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી.
એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે.
પણ એનો દ્વિતીય નથી,
એના અંગૂઠાની છાપ, એના અક્ષરોના મરોડ,
એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ,
એના અનુભવનો ગ્રાફ,
એના ભૂતકાળના ઉભાર ઉતાર,
એના રક્તસંબંધો અને દિલસંબંધો,
એનું પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને
એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે
જ્યારે કહી શકે છે :

એકો અહં, દ્વિતીયો નાસ્તિ …..
ન ભૂતો ન ભવિષ્યતિ …..
હું એક જ છું .
મારા જેવો બીજો નથી.

– ચંદ્રકાંત બક્ષી

Advertisements

હજીય અકબંધ છે

7 મે

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે.
પ્રકાશ     સૂર્યનો    હજીય  અકબંધ     છે,

પણ    શું   ઉગ્રતા  એની   એ    જ    છે?
ચાંદની    ચંદ્રમાની   હજીય   અકબંધ છે,

પણ     શું    શીતળતા   એની   એ   જ    છે?
હરિયાળી    ધરાની    હજીય   અકબંધ   છે,

પણ    શું    સૌમ્યતા   એની   એ    જ    છે?
રૂદન    શિશુનું    હજીય    અકબંધ    છે,

પણ     શું   નિર્દોષતા   એની   એ   જ    છે?
જોઉં  છું ખુશહાલી, ક્યાંક હજીય અકબંધ છે,

પણ ક્યાંક તો દરિદ્રતા એની એ જ છે.
ઓળખ માનવ તરીકે હજીય અકબંધ છે,

પણ શું માનવતા મારી એની એ જ છે?
આવતા અનેક વિચારો હજીય અકબંધ છે,

પણ પ્રશ્નો તો વણઉકલ્યા એના એ જ છે.

-જેમિશ બુટવાલા, સુરત

(સૌજન્ય: ‘ દિવ્યભાસ્કર’ માંથી)

નથી હોતી

6 મે

ધન, વૈભવ, દોલતમાં, અમીરી નથી હોતી,
દિલના કોઇ ખૂણામાં, ગરીબી નથી હોતી.

લોક સમજે છે, જાગીર પોતાની વર્ષોથી,
વખત ટાણે વસિયત સાબિત નથી હોતી.

મારું મારું કરે જે, એકલો રહી વંચિત,
બંધ મુઢ્ઢીમાં કોઇ દિ’ સ્વસ્થતા નથી હોતી.

પીડ પરાઇ સમજમાં, વિહરતું રહે આ દિલ,
પ્રેમની વલખતી ભીખમાં, ફકીરી નથી હોતી.

શરાબ, મટન સબડે, જ્યાં મહેફિલો ભરી,
મદહોશ જિંદગી કોઇની, અસલ નથી હોતી.

-પ્રવીણ ખાંટ, છોટા ઉદેપુર, વડોદરા

(સૌજન્ય : ‘ દિવ્યભાસ્કર ‘માંથી)

અટવાણી

5 મે

હોઠે રમતા શબ્દ સર્યા ને,
અટવાણી જીભ અંદર,
ક્ષણભર,હલીચલી ના સદંતર…
ગીત ગુંજતું રહ્યું ગગનમાં,
ઝણકે ઝાંઝર મનમાં,
પચરંગી પટકૂળ સરકતું,
કોરે કેશ પવનમાં,
ઊભી-ઊભી, તે ઊભા મારગે
જડવત મૂંગી મંતર.
ક્ષણભર,હલીચલી ના સદંતર…
સરોવર ઊંચે પાળ હઠીલો,
બેઠો પોપટ ઢીલો,
સહિયર સંગે જળ ભરવાને
કેમ, ચાતરું ચીલો?
ચોરે ચણભણ પંચ-પારખું
કોણ બજાવે જંતર?
અટવાણી જીભ અંદર…

-ચંદ્રકાંત અમરેલિયા (અમદાવાદ)

એક રાજા હતો એક રાણી હતી

4 મે

એક રાજા હતો એક રાણી હતી
એ તો તારી ને મારી કહાણી હતી

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી તો વાટ આખી અજાણી હતી

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

જિંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા
જિંદગીમાં બીજી કયાં કમાણી હતી

એક ચાદર હતી આભની ઓઢવા
રાતના જોયું તો એ ય કાણી હતી

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી.

– બરકત વિરાણી ‘બેફામ’

(સૌજન્ય : ટહુકો.કોમ)

પ્રેમ

23 જાન્યુઆરી

અઢી અક્ષરની આ  છે કેવી બલા,
થાય નાસીપાસ, તો ભરે હવાડા ને કૂવા.

નથી જોતાં ટાઢ-તડકો કે દિન-રાત વેળા,
રહે છે હાજર વહેલાં એના પસાર થતાં.

પ્રેમના નહીં હુશ્નના દીવાના થયા,
પણ હુશ્નવાળા બધાં વફા નથી કરતાં.

પ્રેમમાં જરૂરી નથી આકર્ષણ,
તેમાં તો જરૂરી છે ત્યાગ ને સમર્પણ.

પ્રિયતમાને મળવાનાં સ્થળો છે અનેક,
શાળા-કોલેજ ને દેરે પ્રેમી મળે અનેક.

ઘસાય છે વર્ષમાં પ્રેમીનાં ચપ્પલો અનેક,
પ્રેમમાં પાગલ થાય જો પ્રેમી એક.

પ્રેમ ને મોહ વચ્ચે બારીક લકીર છે એક,
જો સમજી જાય એને, તો ‘પ્રીત’ બની જાય નેક.

પ્યાર ક્યારે, કોનો પૂરો થયો છે ?
પ્યારનો પ્રથમ અક્ષર જ અધૂરો છે.

ઝાકિર રાયલી, ઇખર

(‘દિવ્યભાસ્કર’ માંથી)

ગઝલને છેડો તો…

18 જાન્યુઆરી

બિચારી આંખને નિજની જ પાંપણે લોઈ,
બધાની વચ્ચે સારેઆમ વ્યર્થમાં રોઈ.

રહે શી રીતે કહો આમ કોઈ નિર્મોહી ?
મને હજીયે બતાવે છે આયનો કોઈ.

નકામો આંજી ગયો ઝળહળાંટ આંખોને,
કશું મળ્યું નહીં દર્પણમાં બિંબને ખોઈ.

નથી ભરાતી કદી શૂન્યતા અવાજોથી,
તમારા નામની માળા અમે સતત પ્રોઈ.

ત્વચાની ભેખડોમાં ગુંજતા રહ્યાં મંત્રો,
અમે નસોની જનોઈને લોહીમાં ધોઈ.

તમે પ્રકાશની ચર્ચા માત્ર કરતા રહ્યાં,
ઉઘાડી આંખે અમે રાત વિતતા જોઈ.

ગઝલને છેડો તો આસાન થઈ જશે રસ્તો,
અમોને ‘મીર’ બતાવી ગયું કોઈ સોઈ.

– રશીદ મીર (‘પરબ’ માંથી)