
ચંદ્રકાંત બક્ષી
બક્ષી -
અઢી અક્ષરનો બળુકો શબ્દ !
લખે,બોલે કે વિચારે – બધું ધોધમાર…
તેજાબી અને તોખારી અને તેજસ્વી કલમબાજ…
ઓગાળેલી વીજળીમાં કલમ ઝબોળીને આ શખ્સે
એક વાવાઝોડું સર્જી નાખ્યું.
બક્ષીએ લખવાનું શરૂ કર્યું ત્યારે
ગાંધી યુગનો છેલ્લો દસકો ચાલતો હતો.
લેખક એટલે કફની ઝભ્ભો પહેરીને,ખભે થેલો લટકાવી,
ચાવી ચાવીને બોલતો સહેજ ‘ક્રૅક’ માણસ- તેવી લોકછાપ હતી.
લખાણની શૈલી સુરમ્ય તત્સમ્ શબ્દોથી
અથવા ગ્રામ્ય શબ્દોથી લચેલી રહેતી,
અને કથાવસ્તુ હું,મારા ધર્મપત્ની,
મોગરાની વેણી,વિધવાની વ્યથા વગેરે…
ઉચ્ચ મધ્યવર્ગીય ગુજરાતી ઘરની જિંદગીની આસપાસ રચાતું.
આવા સુઘડ,સર્વસંમત,શાલીન,મૃદુભાષી,
શાકાહારી ગુજરાતી કાચની દુકાનમાં આખલાની જેમ
ધસી આવીને બક્ષીએ ભાંગફોડ કરી મૂકી.
તદ્દન નવા પ્રકારના કથાનકને પાસાંદાર ઉર્દૂ અલ્ફાઝથી
‘લૈસ’ કુરમુરી જબાનથી પેશ કરીને
બક્ષીએ વિવેચકોને જીતી લીધા.
મનની વાત મમળાવીને નહીં પરંતુ
મરચું ભભરાવીને કહેવાની એમની લઢણ હતી.
મધુરવાણી કહે છે કે, ‘બક્ષીની અસર હેઠળ લખાતા
અને એમની મર્દાના શૈલીની રીતસર નકલ કરતા
આજે કુડીબંધ ગુજરાતી લેખકો હશે.’
બક્ષી ફક્ત સાહિત્યકાર ન’હોતા,તેનાથી ઘણા વિશેષ હતા.
એમના પોણાબસો ઉપરાંત પુસ્તકોમાં ફેલાયેલી એમની કૉલમોએ
પત્રકારત્વમાં પણ એવો જ ‘બક્ષી કલ્ટ’ ઊભો કરેલો.એ કૉલમોમાં
વ્યક્ત થયેલા એમના રાજકીય વિચારોએ ગુજરાતની બે-ત્રણ પેઢીઓના
જીવન પર અસર કરી હશે.
ગુજરાત અને ગુજરાતી સાહિત્યમાં બક્ષી આવતા સો વર્ષ સુધી વંચાતા
રહેશે,અને તે પછી એમના વિશે દંતકથાઓ રચાતી રહેશે કે,બક્ષી બંને
હાથે લખતા…બક્ષી હાઇડ્રોક્લોરિક ઍસિડની શાહી વાપરતા…બક્ષી
સાડા છ ફૂટ ઊંચા હતા !
વસ્તુત: બક્ષી પાંચ ફૂટ ચાર ઇંચ ઊંચા હતા.
પણ ‘એક મુઠી ઊંચા’ માનવી હતા.!
-(‘યાર બાદશાહો…’ માંથી સાભાર)
