Archive | ઝવેરચંદ મેઘાણી RSS feed for this section

તલવારનો વારસદાર

17 Oct

 

દિકરી ઈન્દૂ સાથે ઝવેરચંદ મેઘાણી

 

ભેટ્યે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે!

મારા બાપુને બહેન! બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ…
મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડીઓ
નાને માગી છે તલવાર…

મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર…
મોટો ચડિયો છે કાંઈ હાથી અંબાડિયે
નાનેરો ઘોડે અસવાર…

મોટો કાઢે છે રોજ કાયા કસુંબલા
નાનેરો ધૂમે કમસાણ…
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલીએ
નાનો ડુંગરડાની ધાર…

મોટો મઢાવે વેઢ વીંટી ને હારલા
નાનો સજાવે તલવાર…
મોટાને સોહે હીર-ઝરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ…

મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર…
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો ઝીંકે છે ઘાવ…
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો

નાનેરો સૂતો સંગ્રામ…
મોટેરે, માડી! તારી કૂખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર…
મોટાનાં મોત ચાર ડાધુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય…

- ઝવેરચંદ મેઘાણી

Follow

Get every new post delivered to your Inbox.