કાંટા ક્યાં કોઇની ઉપર ઘા કરે છે,
માનવ જ માનવતા ઉપર ઘા કરે છે.
આપે છે લોકો નાહક સજા કાંટાને,
ફૂલો ક્યાં કાંટાની ફરિયાદ કરે છે?
હોય છે હંમેશાં ફૂલોની સાથે કાંટા,
લોકો જ ફૂલને કાંટાથી દૂર કરે છે.
અજાણતાં ફૂટી નીકળે ટશર લોહીની,
માનવો જ કાંટાને બદનામ કરે છે.
ફૂલને ઉપયોગી છે કાંટા ઘણા,
માનવ માત્ર ફૂલ પસંદ કરે છે.
છે એકમેકના સુખદુ:ખના સાથી,
સ્વાર્થ માટે માનવ અલગ કરે છે.
પૂછી જુઓ ફૂલોને કાંટાનું મહત્વ,
કહી ઉઠશે, એ જ મારું જતન કરે છે.
અજાણતાં કમને ખરી પડે છે ફૂલો,
નહીં તો કાંટાને ઘણો પ્રેમ કરે છે.
-ચંદન પરમાર(ગાંધીનગર)
(કવિશ્રીએ ફૂલ અને કાંટાના સંબંધની હદયસ્પર્શી વાત કરી છે.)