ક્ષિતિજ પણ રેતની ! ઢગ પરે ઢગ વિસ્તર્યા;
કરાલતમ ભૂખરા ખડક તો કરે દાંતિયા !
દિશા સકળ ભેદતી ગરમ લૂય ખાવા ધસે ;
કશેય નવ ઝાંખરું — તણખલું ન લીલું લસે !
વિરાટ સૃજી વિશ્વની નીલમ વાડી, થાકી જરા,
પ્રજાપતિ મુખેથી એક ધગતો નિસાસો સર્યો;
અને અહીં હજાર ગાઉ તક ઝળતો એ ઝર્યો;
ક્યહીં રચત રેતીના ઢગ , ક્યહીં સૂકા ડુંગરા !
બધે નજર વિસ્તરે ! અતૂટ ચક્રવારો ચહું;
નથી નજર ભાંગવા કશું વિવિધ કે કૈં નવું !
વિરાટ નભટોપને સકળ કોરમાં આવરી
સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી !
ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ !’- કલ્પનાનો થતો !
— ‘કરાલ નિજ લોચને સકલ લોકને નાથતો !’
-કૃષ્ણલાલ શ્રીધરાણી
(કોડિયા,સંવર્ધિત નવી આ.,૧૯૭૨, પૃ. ૬ તથા સાભાર ‘પરબ’ માંથી)
